કોરોના એક મહામારી.......... પ્રાસંગિક સહચિંતન – શ્રી યશવંત મહેતા (લેખક)

વાઇરસ,વાઇરસ !
બાલમંદિરના બાળકોનું એક પ્રિય જોડકણું(નર્સરી રહાઈમ) છે.-
રીંગા રીંગા રોઝીસ,
પોકેટ ફુલ્લા પોઝીસ,
હહૂઈશા, બુઈશા,
ધી ઓલ ફોર ડાઈમ!

જોડકણું ગાતાં ગાતાં, પહેલા તે બાળકો ગોળ ગોળ ફરે છે. પછી એકાએક બધાં પડી જવાનો અભિનય કરે છે. જોડકણાના શબ્દો શા છે? ગુલાબોના ચકરડા ચકરડા….ગજ્યા પોઝી(POSIE) નામના ફૂલથી ભરેલા… હુઈશા…બુઈશા…આપક્ષે સૌ ધરાશાયી !
ફૂલોની વાત, ગજવા ફૂલોથી ભરવાની વાત, જાતજાતના ઉદગારો કરીને ગબડી પડવાની વાત…જેને અંગ્રેજીમાં નોનસેન્સ વર્ઝ(અર્થહીન પદ્ય) કહે છે, એવું જણાય છે. ફરતાં અને રમતાં અને ગાતાં ગાતાં પડી જવાના બાળસુલભ ખેલ જેવું લાગે છે. અને તથ્ય એ પણ છે કે દુનિયાભરના બાળકોએ તેને અપનાવી લીધું છે. પરંતુ હકીકત એ છે કે જોડકણું ઇગ્લેન્ડને તબાહ કરી જનાર એક મહામારીનું વર્ણન કરે છે!
માનવું મુશ્કેલ પડે એવી આ વાત તદ્દન સત્ય છે. મધ્યયુગમાં બ્રિટનને(અને યુરોપને) ધમરોળી નાખનાર એક મહામારીમાં માનવીને શરીરે અચાનક લાલ લાલ ચકામાં ફૂટી નીકળ્યા ,જાણે ગુલાબ ! કોઈકે સુચવેલું કે પોઝી નામના ફૂલ ગજવામાં રાખવાથી રોગ સામે રક્ષણ થશે. એટલે લોકો ગજવામાં પોઝી ફૂલ ભરે.પરંતુ શ્વાસની રુંધામણ અનુભવતાં, શ્વાસની ધમણ ફૂકતા માનવી ગમે ત્યાં ઢગલો થઇ જતા. શેરીઓ મડદાથી ગભરાય જતી, એવું સમકાલીન દસ્તાવેજોએ નિરૂપ્યું છે.

આજે જયારે કોરોના વાઇરસ નામે રોગાણું વિશ્વને ડરાવી રહ્યા છે ત્યારે વાઇરસ(VIRUS) નામની આ બલા અને તેના પ્રભાવ વિશે થોડાક ખ્યાલ મેળવવા જેવો છે. સાવ પ્રાથમિક વાત એ છે કે આપણે જે જીવસૃષ્ટી નારી આંખે જોઈ શકીએ છીએ(વ્હેલ અને હાથીથી માંડીને માંડીને મચ્છર-મસી સુધી)એમની સંખ્યા અને પ્રજાતિઓ કરતા અનેકગણી સંખ્યા અને પ્રજાતિઓ આ રોગાણુંઓની છે,

અને તે સૂક્ષ્મદર્શક સાધન(માઈક્રોસ્કોપ) દ્વારા પર માંડ માંડ દેખાઈ છે. એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે મૂળે 1892માં આવા સુક્ષ્મ…અતિ સુક્ષ્મજીવોના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 5,000 જેટલી રોગાણું પ્રજાતિઓની પરખ થઇ શકી છે. પરંતુ એક ક્ષણ માટે પણ માની લેવાની જરૂર નથી કે જેમની પરખ થઇ છે તે અને તેટલી જ રોગાણું – પ્રજાતિઓનું અસ્તિત્વ છે. આ પ્રાણી વિશાળ પૃથ્વી અને એના વિરાટ અવકાશમાં હજુ અનેકની પરખ ન થઇ શકે એમ એ અશક્ય છે. વળી, જીવમાત્રની ઉત્પત્તિના મૂળમાં ઉર્જા અને પદાર્થનું સંયોજન છે. સૂર્યની ઉર્જા અને જળ, વાયુ, પૃથ્વી વગેરે પદાર્થ(MATTER) મળીને ‘જીવ’ પેદા થાય છે. સૂર્યથી પૃથ્વી અલગ પડી એ પછીના અબજો વર્ષ દરમ્યાન આ પ્રવૃત્તિ ચાલતી રહી છે. વાઇરસ પેદા થતા રહ્યા છે. વિનાશ કરતા રહ્યા છે. 

ગત કરોડો વર્ષ દરમ્યાન પૃથ્વી પર એક થી વધારે કારણોસર વ્યાપક વિનાશ થયો હશે – લઘુ ગ્રહો તથા ઉલ્કાઓ ટકરાવાથી અગણિત જ્વાળામુખો ફાટવાથી, ધરતીકંપોથી, પુરોથી, હિમયુગોથી અને હિમયુગ પછીના જળપ્રલયોથી, આમાં વાયરસ – પ્રકોપનો પણ સમાવેશ કરી શકાય. કહેવાયું છે કે પૃથ્વી પરના વિરાટ જીવો ડાયનોસોર્સ વિશાળ ઉલ્કાપાતથી થયો. સંભવ છે કે કોઈ વાઇરસથી થયો હોય ! મહાન વિજ્ઞાન કથા લેખક એચ.જી.ધી-સની એક કથા વોર ઓફ થી વર્લ્ડ્સ( વિશ્વનો વિગ્રહ) છે. એમાં સમગ્ર પૃથ્વીની જીવ સૃષ્ટિનો નાશ કરી શકે એવા અને પૃથ્વી – માનવોના વિજ્ઞાનથી તો કાંઈ કેટલાક અંશે વિશેષ વિજ્ઞાન પ્રગતી લાધી ચુકેલા જીવો એમના મહાવિનાશકારી ગંજાવર અંગો સાથે આક્રમણ કરે છે અને આપણા ગ્રહનો વિનાશ હાથવેતમાં ભાસે છે ત્યારે પૃથ્વીની આ સુક્ષ્મજીવો, આ વાઇરસ એ આક્રમકોનો નાશ કરે છે!

વેલ્સની વિજ્ઞાનકથામાં વાઇરસની આ સુક્ષ્મ ભૂમિકા નીરુપાઈ છે. એમણે કદાચ વાઇરસ શબ્દ પણ નથી વાપર્યો બેક્ટેરિયા એમના મનમાં હશે; અને બેક્ટેરિયા સારા અને નરસા, લાભકારી અને નુકસાનકારી એમ બને પ્રકારના હોય છે. વાઇરસ પણ કોઈ લાભકારી હોય તો આપણે જાણતા નથી. પણ હવે જે વ્યાપક સંસોધનનો થયા છે,તે અનુસાર, પૃથ્વી પરના જીવનના આવિભાર્વ પછીના સમગ્ર સમય દરમ્યાન લાંબે – ટૂકે ગાળે વાઇરસના કારણે મહામારીઓ (EPIDEMICS) અથવા વ્યાપક મહામારીઓ(PAHDEMICS) પ્રસરતી રહી છે. કોઈ મહામારીએ દસ લાખ માનવી માર્યાનો હવાલો મળે છે તો કોઈકે પાંચ કરોડ કે એથી પણ વધારે પ્રાણી મર્યાનો ઈતિહાસ છે.

અગાઉ લખ્યું તેમ, આ મહામારીઓ અને વિરાટ રોગચાળા ઈતિહાસકાળ પૂર્વેથી ચાલતી આવી છે. એમને અંગે કેટલાંક પુરાતત્વીય સાધનો વડે અનુમાન કરી શકાય છે. જે ઈતિહાસ નોંધ પામ્યો છે એટલે કે જે રેકોડેડ હિસ્ટ્રી છે એ અનુસાર પ્રથમ જાણીતી મહામારી ઇસુ પૂર્વે 430ના વર્ષની ગ્રીસના નગર એથેન્સની છે. એ નગર અને અન્ય કેટલાંક નગરો વચ્ચે યુદ્ધો થયા હતા. એ યુદ્ધો પછી, કશાક અન્ય કારણે, લોકો ટુંકી માંદગી ભોગવીને ટપોટપ મારવા લાગ્યા હતા. એથેન્સ નગરની તો 2/3 (આશરે 66 ટકા) વસ્તી મરી પરવારી હતી.
એ પછીનો જાણીતો રોગચાળો ઇસુની બીજી સદીમાં રોમ અને ઇટાલી અને પછી આજુબાજુના પ્રદેશમાં પ્રસર્યો અને આશરે પચાસ લાખ માનવીનો એણે ભોગ લીધો. અને આ મહામારીના સાચા કે ખોટા કારણની નોધ થઇ છે.

મધ્ય એશિયાના હુંણ લોકો જેમ હિન્દ ભણી તેમ પશ્ચીમ એશિયાના યુરોપ ભણી ધસી ગયેલા. રોમન સૈનિકો એમનો સામનો કરવા ગયેલા. એ સૈનિકો, સ્વાભાવિક જ, એક હુણોના, એમના દેશોના, લોકો એમની શસ્ત્ર સામગ્રીના સંપર્કમાં આવ્યા હોય. એમાંથી આ રોમન સૈનિકોને રોગાણું વળગ્યા, જેમનો ચેપ ફેલાતા અજાણતા લખ્યું તેમ, અંદાજે પચાસ લાખ માનવી મર્યા. એ જમાનામાં જયારે વસ્તી સાવ જુજ હતી.
સન 540 – 41ની મહામારીને ‘જસ્ટિ નિયન પ્લેગ’ નામ અપાયું છે. એ વેળા પૂર્વના રોમન સામ્રાજ્ય બયઝેન્ટીયમ સામ્રાજ્યનો શહેનશાહ જસ્ટિ નિયન હતો, માટે એ પ્લેગ(મરકી)ને એમનું નામ અપાયું. મૂળે પૂર્વેના કે પશ્ચિમના કોઈ ગંદી જીવન પધ્ધતિ વાળાએ વાઇરસ ફેલાવ્યા અને મરકી ફેલાઈ. એણે પશ્ચિમ એશિયા તથા યુરોપમાં મુત્યુતાંડવ મચાવ્યું.અંદાજ છે કે આ મહામારીએ 2.5 કરોડ માનવી માર્યા હતા.
ઓગણીસમી સદીમાં યુરોપને રક્તપિત(લેપ્રસી) આભડી ગયો અને લાખો મર્યા. જો કે ઇતિહાસે 1350 આસપાસના ‘કાળા મોત’ (BLACK DEATH) ની ખુબ વિગતે નોંધ લીધી છે. આ મહામારીમાં મુખ્ય રોગ મરકી(PLAGUE) હતો. કહેવાય છે કે એનાં મૂળ ચીનના ઉંદરોમાં હતા. મારીને સડતા ઉંદરોના દેહમાં કોઈ એવા વાઇરસ પેદા થતા જે માનવશરીરમાં પેસીને સાથળના મૂળમાં, બગલમાં મોટી ગાંઠો બાંધવા ઉપરાંત શરીર પર લાલ ચકામાં પેદા કરતા. આ ગાંઠોમાં પાક થતો, તે રક્તમાં ભળતો અને માણસ સડી મરતો. આજે નક્કી થયું છે કે યર્સિનીયા પેસ્ટીસ નામના વાયરસથી આ રોગ થાય છે. પછી તો આ યર્સિનીયા પેસ્ટીસ વાઇરસથી સતત અને વારંવાર વ્યાપક મોત વહેતા રહ્યા છે.

ઈગ્લેન્ડે જેને ‘બ્લેક ડેથ’ કહી તે મરકીની મહામારી ત્યાં જુન 1348 થી પ્રસરવા લાગી. 1350 સુધીમાં એણે ઈગ્લેન્ડની 40 થી 60 ટકા વસ્તીનો વિનાશ કર્યાનું અનુમાન કરાય છે. 1361 – 62 માં આ મરકી વળી ઈગ્લેન્ડ પર ફરી વળી અને તે સમયની વીસેક ટકા વસ્તીને એણે મારી નાખી. એક અન્ય ગણતરી મુજબ 1350 ની આસપાસ ઇગ્લેન્ડની વસ્તી 60 લાખ જેટલી હતી, એમાંથી આ બે મહામારીઓમાં આશરે 38 લાખ મોત નીપજ્યા હતા. સમગ્ર યુરોપમાં પણ આ મહામારીએ સારી એવી મોટી સંખ્યામાં માનવી માર્યા હતા.

જો કે આ વસ્તીવિનાશનું એક પરિણામ એ આવ્યું કે ખેતી અને જે કાઈ ઉદ્યોગો હતા એ માટે શ્રમિકો મળવાનું દુર્લભ બન્યું. આથી રોજ (વેજ) ઉચા ગયા. શ્રમિકોનો આત્મવિશ્વાસ વધ્યો. એમણે જમીનદારોની ગુલામી સામે માથું ઉચક્યું. જુનવાણી લોકો અને માલિકો આ સહન કરી ન શક્યા. જુલમગારી શરુ થઇ પણ એથી તો વળી ગરીબો જુલમ સામે લડવા વધુ મક્કમ બન્યા. 1381માં તો રીતસર ખેડૂતોનો બળવો થયો! આગળ જતા જમીન ખેડનાર માલિકનો ગુલામ મટીને ગણોતિયાં બન્યો. કેટલાક ગણોતિયાં પછીના જમીન માલિક પણ બન્યા.
પંદરમી સદીથી યુરોપે નવા નવા પ્રદેશો ખોળવા પર અને ત્યાં આધિપત્ય જમાવવા પર ધ્યાન આપવા માંડ્યું. તેના માટે ક્ષીણ થયેલા શ્રમિક સંખ્યા કારણભૂત હોઈ શકે. એ ઉપરાંત, વિજ્ઞાન વિકાસ દ્વારા વધી રહેલી ઉત્પાદન ક્ષમતાઓએ બક્ષેલ ઉત્પાદનો માટે બજાર મેળવવાની વૃતિ પણ કામ કરતી હોય શકે. યુરોપના એ વિસ્તરણને પરિણામે અમેરિકા, ઓસ્ટ્રેલીયા જેવા પ્રદેશો વસવાટ માટે મળ્યા અને જુના દેશો પર તથા આફ્રિકા પર જમાવટની તકો મળી.

સામ્રાજ્યવાદ નામની વિકૃત ઘટનાનો જન્મ થયો.
આ શોધખોળના પરિણામોમાં એક એ પણ હતું કે સ્પેનીયન લોકો અમેરિકા ખંડમાં ઓરી-અછબડા, શીતળા અને બ્લુબોનીક(ગઠીયા)પ્લેગ લઇ ગયા હજારો વર્ષોથી પોતાની આસપાસની પ્રકૃતિ સાથે તાલમેળ સાધીને જીવતા દક્ષીણ અમેરિકાના તો 90 ટકા જેટલા માનવી આ રોગોના આક્રમણથી માર્યા. જે બાકી હતું તે સ્પેનિસ – કોન્ક્વીસ્તાદોરો (વિજેતાઓ) પૂરું કર્યું. એમણે બાકી રહેલી ઘણી ખરી વસ્તીની કત્લેઆમ કરી.
એક અનુમાન છે કે મધ્ય અમેરિકાની સમગ્ર આજેટિક પ્રજા શીતળાની મહામારીમાં નાશ પામી.

2019ના એક સંશોધન મુજબ, યુરોપિયનો દ્વારા દક્ષીણ અમેરિકામાં ફેલાયેલ રોગચાળાથી પાંચ કરોડ સાઠ લાખ (5.6 મિલિયન) માનવી માર્યા.
વાસ્તવમાં, પૃથ્વી પર વાઇરસ- સર્જિત મહામારીઓ પ્રસરતી જ રહી છે. 1665માં લંડનમાં પ્લેગ ફેલાયો. અર્ધી ઉપરાંત વસ્તી ખતમ થઇ ગઈ. 1817માં કોલેરાની મહામારી આવી, જેનો ભારતમાં બ્રિટીશ સૈનિકો મારફત ફેલાવો થયો અને બ્રિટીશ નૌકા સૈન્યે એનો ફેલાવો સ્પેન, આફ્રિકા અને જાપાન, ઇટાલી, જર્મની સુધી એનો વિસ્તાર કર્યો.1885માં કોલેરા અટકાવતી રસી શોધાઈ પછી એનું જોર નરમ પડ્યું. 1855માં વળી ચીનથી મરકી શરુ થઇ.

એણે એકલા ચીનમાં દોઢ કરોડ માનવી માર્યા.1889માં રશિયા ફ્લુ એટલે એન્ફલુંએન્ઝા ડોકાયો એણે 3,60,૦૦૦ માનવી માર્યા.
જોકે 1918ની મરકી કદાચ ઈતિહાસની સૌથી ભયંકર મહામારી હતી. ‘ સ્પેનીશ ફ્લુ’ જાતે ઓળખાતી આ મહામારી શરુ તો થઇ હતી ચીનથી પણ એણે ભારત સહીત દુનિયાભરના દેશોમાં પાંચ કરોડ જેટલા માનવી માર્યા. એ વેળા દુનિયાની વસ્તીના એ દસ ટકા હતા એવું કહેવાય છે.

આ પછી પણ જાત જાતના વાયરસને કારણે જાતજાતની મહામારીઓ આવતી રહી છે. એમના અવનવા નામ પડ્યા છે. એશિયન ફ્લુ, સ્વાઇન ફ્લુ, બર્ડફ્લુ વગેરે, વગેરે.

1981માં માનવીના અનૈતિક વ્યવહારમાંથી જન્મતી એક અવનવી (કદાચ ઘણી જૂની પણ હમણાં જ એક નવી મહામારી ધ્યાનમાં આવી. એચ.આઈ.વી. અથવા એઇડ્સ જેવા નામે ઓળખાતી એ મહામારીમાં માણસની રોગપ્રતિકારક્ષમતા (ઇમ્યુનિટી) ખતમ થઇ જાય છે. આ મર્યાદા માણસ રોગિષ્ટ સાથેના સંસર્ગથી ફેલાય છે, એથી એનું નામ એક્વાયર્ડ ઇમ્યુનિટી ડેફીશિયન્સી સિન્ડ્રોમ કહેવાય છે.

આ બલાએ અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડ ઉપરાંત માનવી માર્યા છે એવું જણાવાય છે.
અને હવે ચીનના વુહાન થી આવ્યો છે કોરોના વાઇરસ, જે શ્વસનતંત્રને અસર કરીને પછી રક્તતંત્રને અને રકત-શુધ્ધીતંત્રને (કીડનીને) અસર કરીને મોત નીપજાવે છે. એ સાચું છે કે વિકસેલા વિજ્ઞાનને પ્રતાપે આ બલાની પકડમાંથી ઘણાને બચાવી શકાઈ રહ્યા છે. વિજ્ઞાનીઓ કહે છે કે કોરોના વાઇરસગ્રસ્ત લોકોમાં 3.5 ટકાથી બહુ બહુ તો પાંચ ટકા મરણ પામશે.

આપણે ઈચ્છીએ કે આધુનિક વિજ્ઞાન વધુ જલ્દી આ વાઇરસ સામે પણ પૂર્ણ પ્રતિકાર શોધી કાઢે. દરમ્યાનમાં, પ્રીવેન્શન ઈઝ ધી બેસ્ટ ક્યોર. જાણકારો કોરોનાના હુમલા સામેના જે પ્રતિકારક પગલા સૂચવે છે તેમનો અમલ કરીએ.

શ્રી યશવંત મહેતા

લેખક પરિચય 

  • છ દાયકાના અર્થપૂર્ણ પત્રકારત્વ અને ૫૦૦ જેટલા પુસ્તકોના લેખનના વિપુલ અનુભવી.
  • બાળકો માટે 'ઝગમગ' અને માસિક 'બાલ આનંદ' સંપાદક.
  • ગુજરાતી લેખક મંડળના ૨૦૦૩ થી ૨૦૧૪ સુધી અધ્યક્ષ હતા.
  • વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ચુંટાયેલા સભ્ય હતા. બાળ સાહિત્ય અકાદમીના સ્થાપક કન્વીનર છે.
  • ૧૯૬૪માં એમની પહેલી પુસ્તિકાને રાજ્ય પુરસ્કાર અવોર્ડ મળ્યા પછી રાજ્યના પાંચ પુરસ્કાર, સાહિત્ય પરિષદના ત્રણ પુરસ્કાર તેમજ વિવિધ સંસ્થાઓના વિશિષ્ટ સેવા અવોર્ડ મળેલ છે.
  • શિક્ષણ અને સાહિત્ય માટેની રાષ્ટ્રીય શિક્ષણ સંસોધન - તાલીમ સંસ્થા(NCERT) ના ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવનાર તેઓ કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે.
  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૦ નો રૂ.૫૦,૦૦૦નો બાળ સાહિત્ય પુરસ્કાર પણ તેમને ફાળે આવેલ છે.
  • ગુજરાત સાહિત્ય અકાદમીનો બાળસાહિત્ય માટેનો સૌથી મોટો ગિજુભાઈ બધેકા અવોર્ડ ૨૦૧૮માં એનાયત થયો. ૨૦૧૯માં અખિલ ભારતીય પત્રકાર સંઘે ઉતમ આજીવન પત્રકારત્વ બદલ સન્માન કર્યું.

“બાળવિજ્ઞાન સાહિત્યમાં મૌલિકતા”

સ્થળ :- વિજ્ઞાનનગરી ઓડીટોરીયમ, આંબાવાડી, ભાવનગર ઉદ્દઘાટક :- શ્રી એન. જી. વ્યાસ (જીલ્લા શિક્ષણાધિકારી) વક્તાઓ :- શ્રી યશવંત મહેતા શ્રી લલિત ખંભાયતા ડૉ.ડી.સી.ભટ્ટ ડૉ.અરુણભાઈ દવે લાભાર્થીઓ :- જીલ્લા પંચાયત, તથા ન.પ્રા.શિ.સ., ભાવનગરના ગણિત-વિજ્ઞાન શિક્ષકો, સાહિત્યના વિદ્યાર્થીઓ, નવોદિત લેખકો તથા ઉત્સાહિત નાગરિકો.

Read More

This Post Has 6 Comments

  1. Anonymous

    good article,it shows reality of world with mahamari..
    .

    1. Drashati

      Drashati
      कोरोना वायरस जीतना गंभीर ओर भयंकर है
      उतना ही स्वाभीमानी भी हे जब तक आप घर से बहार जा कर ,कोरोना को आमंत्रित ना करो तब कोरोना धर मे नही आता,
      कोरोना को आमंत्रित कर ना न करना हमारे पर आत्मनिर्भर करता हे ,

      1. Asmira

        Yes

  2. Anonymous

    Awosome

  3. Anonymous

    good awosome

Comments are closed.